Tuesday, 7 March 2017

gujarati suvicharo & vichar vistar &kahevato

 

જીવનમાં આપણે ઘણીવાર અનેક મુશ્કેલીઓ અને પ્રતિકૂળતાઓનો સામનો કરતાં હોઈએ છીએ. ઘણીવાર કોઈ મુશ્કેલીમાંથી બહાર નીકળવાના રસ્તા શોધતા શોધતા આપણે લોકો સાથે દુશ્મનાવટને વહોરી લઈએ છીએ. કેટલાક એવા કિસ્સાઓ પણ મળશે જેમાં લોકો વ્યસન તરફ વળ્યા હોય. વળી, ભોગ વિલાસવાળી જિંદગી જીવવાની લ્હાયમાં દેવાના ડુંગરો તળે દબાતા લોકો પણ જોયા હશે. વેર, વ્યસન, વૈભવ અને વ્યાજ આપણા જીવનમાં કેવા વિનાશક નિવડે છે અને એના પરિણામો કેટલા ગંભીર હોય છે, એ કવિએ અહીંં આ પંક્તિમાં સુંદર રીતે આલેખ્યું છે.
આ પંક્તિ દ્વારા કવિ આપણને સમજાવવા માંગે છે કે પરસ્પર વેર-ઝેર રાખવાથી ક્યારેય સારું પરિણામ આવતું નથી. પરસ્પર વેરનો ભાવ આપણામાં એકબીજા પ્રત્યે એક પ્રકારનું ઝેર ઉત્પન્ન કરે છે અને આ વેરનું ઝેર સૌથી કાતિલ નીવડે છે. ઘણીવાર એવા કિસ્સાઓ પણ બને છે જેમાં વેર વાળવાની લ્હાયમાં પોતાનો જ સર્વનાશ થાય. માનવી આ વેર-ઝેરના ભાવને કારણે દુઃખી જ થાય છે. એ જ રીતે વ્યસની માણસોની જિંદગી પણ એવી જ હોય છે. કોઈ વ્યક્તિ સહેલાઈથી વ્યસન છોડી શકતો નથી. વ્યસનની લત જે તે વ્યક્તિની સાથે એના પરિવારની બરબાદીનું પણ કારણ બને છે. સિગારેટ, જુગાર, દારૂ કે અન્ય નશીલા પદાર્થોનું વ્યસન માનવીને ફક્ત બરબાદી તરફ જ લઈ જાય છે. વ્યસની વ્યક્તિ પોતાના પરિવારની સાથે સાથે સમાજમાં પણ ધૃણાસ્પદ બને છે. હવે, વૈભવની વાત કરીએ તો વૈભવ એ મનુષ્યને વિલાસી અને પાંગળો બનાવે છે. વૈભવી જિંદગી જીવવામાં ઘણીવાર લોકો પોતાનું સર્વસ્વ ગુમાવી બેસે છે. આવા માણસો પણ પોતાના પરિવારની બરબાદીનું કારણ બને છે અને એનું પણ પતન થાય છે. વેર, વ્યસન અને વૈભવ આ ત્રણેય દૂષણો પાછળ એક મહત્વનું દૂષણ છે વ્યાજ. વ્યસન અને વૈભવી જિંદગીના મોહમાં લોકો વ્યાજે પૈસા લે છે. શરૂઆતમાં તો આ સારુ લાગે છે પરંતુ જેમ-જેમ વ્યાજ ચળતું જાય છે તેમ-તેમ લોકો એના બોજ નીચે દબાતા જાય છે. આવા દેવાના ડુંગર નીચે દબાતા લોકો ઘણીવાર આત્મહત્યા તરફ પ્રેરાય છે.
વેર, વ્યસન. વૈભવ અને વ્યાજ આકર્ષક અને લલચાવનારા લાગે છે, પરંતુ એ વહાલા લાગતા દુષણો આપણો સર્વનાશ કરી દે છે. આવા દુષણોને કારણે મનુષ્ય પોતાની રોજિંદી જિંદગીમાંથી એક તરફ ધકેલાઈ એક અંધકારમય દુનિયા તરફ વળી જાય છે. આથી જીવનને તારાજ કરનારી આવી બાબતોથી માનવીએ દૂર રહેવું જ હિતાવહ છે.

new syllabus for 1 to 11 for 2018

Download new syllabus To download click  here